મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. આ દૂષણને ડામવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા ઠેર-ઠેર જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. જેને લઈ પોલીસે ઘણાખરા વ્યાજખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. છતાં અમુક વ્યાજખોરો જાણે સુધારવાનું નામ જ ન લઈ રહ્યા હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે, ત્યારે આવી જ એક પોલીસ ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં મહીકા, જીનીયસ સ્કુલની બાજુમાં રહેતા યાકુબભાઇ માહમદભાઇ બાદી તથા તેના સગા ભાઈ ઉસ્માનભાઇ માહમદભાઇએ વિજયભાઇ શીવાભાઇ ચાવડા (રે.મહીકા તા.વાંકાનેર જી.મોરબી) તથા સતીશભાઇ શીવાભાઇ ચાવડા (રે.મહીકા તા.વાંકાનેર જી.મોરબી) નામના આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા વ્યાજખોરોએ ફરિયાદી આધેડ તથા તેના ભાઈ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.