સ્કૂલમાં ઘૂસી જાહેરમાં ધાકધમકી, વાંકાનેર અને વીંછીયાના બે શખ્સો સામે પોલીસ કાર્યવાહી.
વાંકાનેરની એક હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકાને એક શખ્સ દ્વારા આવી મારા સગા સાથે ફોન ઉપર વાત કરવા દબાણ કરી ધમકી આપવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આરોપીઓએ જાહેરમાં અને ફોન ઉપર શિક્ષિકાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે આખરે ભોગ બનનાર શિક્ષિકા દ્વારા વાંકાનેરના અને વીંછીયા તાલુકાના અજમેર ગામ વાળા એમ બંને આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષિકા દ્વારા આરોપી પ્રદીપભાઈ ધાંધલ રહે. મેસરિયા તા.વાંકાનેર તથા આરોપી ગભરૂભાઈ ખાચર રહે. અજમેર તા.વીંછીયા જી.રાજકોટ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા.૦૨/૦૪/૨૦૨૬ના રોજ પોતે હાઈસ્કૂલમાં હોય તે દરમિયાન ક્લાર્ક ઓફિસમાં જતા ત્યાં તેમની સાથે નોકરી કરતા પ્રજ્ઞીકભાઈ સાથે એક અજાણ્યો વ્યક્તિ ઉભો હતો, જેણે પોતાનું નામ પ્રદીપભાઈ ધાંધલ રહે. મેસરીયા તા.વાંકાનેર વાળા હોવાનું જણાવ્યું. અને આ આરોપી પ્રદીપભાઈએ પોતાના મોબાઇલથી પોતાના સંબંધી ગભરૂભાઈ ખાચર રહે. અજમેર તા. વીંછીયા, જી. રાજકોટ વાળાને ફોન કરી શિક્ષિકાને વાત કરવા દબાણ કર્યું હતું. ત્યારે શિક્ષિકાએ વાત કરવા ઇન્કાર કરતા ફોન લાઉડસ્પીકરમાં મૂકી ગભરૂભાઈએ તેમને અને તેમના પરિવારને વાહન અકસ્માત કે અન્ય રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ આરોપી પ્રદીપભાઈએ પણ સ્કૂલ પરિસરમાં ખુલ્લેઆમ ધમકી આપી હતી કે વાત ન કરશો તો જાનથી મારી નાખવામાં આવશે.
ઉપરોક્ત બનાવથી ભયભીત થયેલી શિક્ષિકાએ પરિવારને જાણ કરી બાદમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









