ગુજરાતમાં જાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દારૂ અને હથિયારો લઇ રિલ અને વીડિયો બનાવવા સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ અવાર નવરા યુવા પેઢી વિવાદાસ્પદ વીડિયો બનાવે છે અને જે વાયુવેગે વાયરલ પણ થઇ જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં સીનસપાટા કરવા પોતાના ભાઈનો હથિયાર લઈ ફોટો પડાવી ઇન્સ્ટાગ્રામમાં ફોટો મુકતા વાંકાનેર તાલુકા પોલીસે હથિયાર માલિક અને યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હથિયાર અને વિદેશી દારૂના વીડિયોનો ક્રેઝ વધ્યો છે ત્યારે વધુ એક મોરબીના rakesh_dabhi_3621_ramraj નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા રાકેશભાઇ પનાભાઇ ડાભી નામના યુવકે સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી. પર પોસ્ટ કર્યું હતું. જે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અને આ ફોટો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તેઓએ રાકેશભાઇ પનાભાઇ ડાભી તેમજ સુરેશભાઇ રૈયાભાઇ ડાભી કે જેણે પોતાનું લાયસન્સ વાળુ હથીયાર રાકેશને આપતા બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.