વાંકાનેર નગરપાલીકા પાછળની શેરીમાંથી પસાર થઈ રહેલા યુવાન પર આગાઉની પોલીસ અરજીનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય બે આરોપીને પકડી લેવા તપાસ હાથ ધરી છે.
વાંકાનરેના ગાયત્રી મંદીર પાસે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સાગરભાઈ લલીતભાઈ સારેસા (ઉવ-૩૦) વાંકાનેર નગરપાલીકા નજીકથી પસાર થતા હતા આ દરમિયાન આરોપી રમેશ હીરાભાઇ, સચીન બાબુભાઇ, બાબુ હીરાભાઇ, અશોક હીરાભાઇ રહે. ચારેય આંબેડકરનગર શેરી નં.૫ વાંકાનેરવાળાએ આંતરી લઈ ‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અગાઉ અરજી કેમ કરેલ’ તેમ કહી આરોપીઓએ બેફામ વાણી વિલાસ આચર્યા હતો. આથી ગાળો બોલવાની મનાઈ કરતા ચારેય આરોપીઓ સાગરભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને ઢીકાપાટુંનો મુંઢમાર તથા લોખંડના પાઇપ વડે હુમલો કરતા સાગરભાઈને જમણા હાથ ફેકચર થયું હતું.
આ ઘટનાને લઈને સાગરભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ હીરાભાઈ અને અશોક હીરાભાઈને ઝડપી લીધા છે જ્યારે સચિન અને બાબુને પકડી પાડવા પોલીસે તપાસનો ધમધમાંટ આદર્યો છે.