વાંકાનેરમાં લોકમેળાઓનું ધાર્મિક મહાત્મય ઘટતું જાય છે ત્યારે આ બાબતે પણ રાજકારણ વધતું જાય છે !!
વાંકાનેરનાં રાજમહેલ પાસે ધોળેશ્વર મહાદેવ ખાતે શિતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, શિતળા સાતમનાં દિવસે વર્ષોથી અહીં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે, પોતાના વ્હાલસોયા બાળકોને ઓરી અછબડા મટી જાય તે માટે માતા અહીં બાધા આખડી રાખે છે, અને શિતળા સાતમના દિવસે અહી આ માનતા પુર્ણ કરી પોતાના વ્હાલસોયા બાળકોને અહીં માથુ ટેકવવા લાવવાની વર્ષો જૂની પરંપરા રહેલી છે, સમગ્ર વાંકાનેર તાલુકા ઉપરાંત બહાર ગામથી પણ અહીં ભાવિકો દર્શન માટે શિતળા સાતમનાં દિવસે ઉમટે છે, તયારે વર્ષોથી અહીં સાતમ અને આઠમ એમ બે દિવસ શિતળા માતાજીનાં ધાર્મીક મહાત્મય સભર લોકમેળો યોજવામાં આવતો હતો, જે મેળો માત્ર મનોરંજન મેળો નહી પરંતુ શિતળા સાતમ નિમિતે આસ્થા સભર યોજાતો ધાર્મિક લોકમેળો યોજવામાં આવતો હતો, પરંતુ કોઈ કારણોસર આ આસ્થા સભર મેળો બંધ કરી દેવામાં આવ્યો છે, આ સાલ માત્ર બાળકો માટેની જમ્પિંગ રાઇડ અને નાની ચકરડી જેવા વેપારીઓએ સ્વયંભૂ રીતે માત્ર બાળકોની ત્રણ ચાર રાઈડ ગોઠવી છે, જ્યારે એક સમયે અહીં ફજર ફાળકા સાથે ભવ્ય લોક મેળો યોજાતો અને ચિકાર જનમેદની ઉમટી પડતી તેને સ્થાને હવે લોકમેળાનું મેદાન સૂમસામ ભાસે છે, તયારે હજારો ભાવિકો આ સૂમસામ મેદાન નિહાળી નિરાશ બન્યા હતાં અને માત્ર મનોરંજન મેળો નહિ પરંતુ શીતળા સાતમનાં ધાર્મિક મહાત્મય ધરાવતો મેળો માતાજીનાં સાનિધ્યમાં ન યોજાતા હજારો ભાવિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ હોવાનું સ્પષ્ટ જૉવા મળ્યું હતું, ત્યારે આ મેળો શા માટે અહિ બંધ કરી દેવામાં આવ્યો છે? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.