મોરબીના શનાળા રોડ નજીક યદુનંદન પાર્ક-૨ માં રહેતા પરિવારની દીકરીએ પ્રેમસંબંધમાં પાડોશીના ભાણેજ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હોય જે અંગે બંને પરિવાર વચ્ચે હાલ યુવતી ક્યાં છે તેની પૂછપરછ મામલે ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા ઉપર મારા મારી થવા લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ નજીક યદુનંદન પાર્ક -૨ માં રહેતા જયરાજસિંહ કીરતીસિંહ જાડેજા ઉવ.૪૫ એ આરોપી ભરતભાઇ નિમાવત તથા તેની સાથે આવેલ અજાણ્યો માણસ એમ બે આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ફરીયાદી જયરાજસિંહની દીકરીએ આરોપી ભરતભાઇના ભાણેજ સાથે ભાગીને લગ્ન કરેલ હોય જે બાબતે ગઈકાલ તા.૧૧/૧૨ના રોજ જયરાજસિંહના ભાઈ ભરતસિંહ તેઓ ક્યા રહે છે તેનુ એડ્રેશ છે તે પુછતા હોય ત્યારે આરોપી ભરતભાઇ તથા તેની સાથે રહેલ અજાણ્યો માણસ એકદમ ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદી જયરાજસિંહના ભાઇને ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા હોય ત્યારે ફરીયાદી તેમને છુટ્ટા પડાવવા જતા આરોપીઓએ જપાજપી કરી શરીરે મૂઢ ઇજા કરી હતી, જે બાદ આરોપી ભરતભાઈએ હાથમાં પહેરવાની ધાતુની મુઠ વડે જયરાજસિંહના કપાળમાં ઇજાઓ કરી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે ભરતભાઇ નારણદાસ નિમાવત જાતે-બાવાજી ઉવ.૫૨ રહે-યુદુનંદન પાર્ક-૨ કેનાલ રોડ મોરબીવાળાએ આરોપી ભરતસિહ જાડેજા, જયરાજસિંહ જાડેજા તથા શક્તીસિંહ જાડેજા રહે- મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી જયરાજસિંહના દીકરી સાથે ભાગીને લગ્ન કરેલ હોય જે બાબતે તેઓ ક્યા રહે છે તેનુ એડ્રેશ આરોપી ભરતસિંહ પુછતા હોય ત્યારે ભરતભાઈએ તેમને કાઇ ખબર ન હોવાનુ જણાવતા આરોપી ભરતસિંહએ ફરિયાદી ભરતભાઇ અને તેમના સબધીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા હોય ત્યારે આરોપી જયરાજસિંહ તથા આરોપી શક્તિસિંહ ત્યાં આવેલ અને તેઓ ફરિયાદી સહિત બંનેને માર મારવા લાગેલ અને આરોપી શક્તિસિંહે લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.
હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી સમગ્ર બનાવ અંગે તપાસની તજવીજ શરૂ કરી તમામ આરોપીઓની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.