મોરબીમાં સેવાકીય કાર્યોની સુવાસ થકી અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક સંસ્થા “અનસ્ટોપેબલ વોરિયર્સ” નો રવિવારના રોજ શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાર્ણના રાજયકક્ષા મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનીત કરવામાં આવી હતી.
મોરબીમાં સેવા પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમ્ ની ઉદાત્ત ભાવના સાથે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો સરકારી યોજનાઓને સમજે, લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા, આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી જેવા હેતુઓ સાથે “અનસ્ટોપેબલ વોરિયર્સ” ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.
સંસ્થાના પ્રારંભના પ્રસંગે મોરબીમાં વિશિષ્ટ કામગીરી કરનાર માતૃશક્તિનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના ઉદ્દઘાટન પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નકલંક ધામ બગથળાના મહંતશ્રી દામજી ભગત, મહંત પ્રભુ ચરણદાસજી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા એ સંસ્થાના તમામ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.