મોરબી તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રંગપર નજીક સિરામીક કારખાનામાં ટ્રકમાં સુતેલા મજૂરનું મોત થયું છે. જ્યારે બેલા ગામની સિરામીક ફેક્ટરીમાં કામ દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બંને બનાવોમાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અપમૃત્યુનો પ્રથમ બનાવ રંગપર ગામની સીમમાં આવેલ લીનિયા સિરામીક કારખાનામાં બન્યો હતો. આ બનાવમાં નટવરસિંહ આર. પરમાર ઉવ.૬૦ રહે. આણંદ જી. અમદાવાદ, ટ્રકમાં સુતેલા હતા ત્યારે તેમને જગાડવા પ્રયત્ન કરતા તેઓ ન ઉઠતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ મરણ પામેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે. જ્યારે બીજો અમૃત્યુનો બનાવ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ફ્યુજન સિરામીક કારખાનામાં નોંધાયો છે. આ બનાવમાં પ્રતાપભાઇ શૈલાબભાઇ સાવૈયા ઉવ.૨૨ રહે. ફ્યુજન સિરામીક કારખાનામાં કામ કરતા હતા. કામ દરમિયાન પગમાં ઇજા થતાં પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા જે બાદ વધુ સારવાર અર્થે શિવમ હોસ્પિટલ તથા ૨૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









