મોરબી શહેરના પીપળી રોડ ઉપર આવેલ બે સીરામીક ફેકટરીમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાતા સીરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મદ્રાસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેઇડ પાડવામાં આવતા છાનબીન દરમિયાન મોરબી કનેક્શન ભાર આવતા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ભાર આવ્યું છે.
સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારથી મોરબીના પીપળી રોડ ઉપર આવેલ આઈ અને ટી અક્ષરથી શરૂ થતા સિરામિકના બે કારખાનામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુમાં મદ્રાસમાં આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેઇડ દરમિયાન મોરબીની ઉપરોક્ત બન્ને ફેક્ટરીઓનું કનેક્શન ખુલતા ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી બે સીરામીક કારખાનાઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સીરામીક ફેક્ટરી માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને અન્ય કારખાનેદારો દ્વારા પણ પોતાના ઓળીયા સમાનમાં કરવાની દોડધામમાં લાગી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.