ઇન્ડિયન મેડિકલ એસોસીએશન મોરબી બ્રાંન્ચ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન બાળકો અને નાગરિકોના આરોગ્ય તથા સલામતી માટે જરૂરી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પતંગોત્સવ દરમિયાન થતી ઇજાઓ, અકસ્માતો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. તડકા, ઠંડી, દોરીની ઇજા, સ્વચ્છતા અને ખોરાક બાબતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સલામત અને સ્વસ્થ રીતે ઉત્તરાયણ ઉજવવા IMA મોરબી દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસીએશન-મોરબી બ્રાંન્ચ દ્વારા “ઉત્તરાયણમાં શી કાળજી રાખશો?” વિષય પર નાગરિકોને ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા છે. ઉત્તરાયણનો તહેવાર ખાસ કરીને બાળકો માટે આનંદનો હોય છે, જેમાં ૧૪ અને ૧૫ જાન્યુઆરીના દિવસે બાળકો ધાબા પર પતંગ ઉડાડવામાં વ્યસ્ત રહે છે, પરંતુ અતિઉત્સાહ ક્યારેક અકસ્માત કે બીમારીનું કારણ બની શકે છે. ત્યારે IMA દ્વારા જણાવાયું છે કે તડકામાં લાંબા સમય સુધી રહેવાથી સનબર્ન થવાની શક્યતા રહે છે, તેથી સનસ્ક્રીન, સનગ્લાસિસ અને ટોપી પહેરવાની સલાહ આપવામાં આવી છે. શરીરમાં પાણીની ઘટ ન થાય તે માટે પાણી, લીંબુ શરબત અને ફ્રુટ જ્યૂસ પીતા રહેવા તેમજ સ્વચ્છતા માટે હાથ સાફ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પતંગની દોરીથી ગળા અને આંગળીઓને ઇજા ન થાય તે માટે ગળે પટ્ટી બાંધવી, ગ્લોવ્ઝ અથવા ફીંગર ટેપ વાપરવાનું સૂચવાયું છે. મકાનની આજુબાજુ ઇલેક્ટ્રિક વાયર હોય ત્યાં ખાસ સાવચેતી રાખવી અને વાયરમાં ફસાયેલા પતંગને ખેંચવાનો પ્રયાસ ન કરવા જણાવાયું છે. આ ઉપરાંત પક્ષીઓને ઇજા ન પહોંચે તે માટે દોરીનો સાવધ ઉપયોગ, ટુ-વ્હીલર પર બાળકને આગળ બેસાડવાનું ટાળવું અને ધાબા પર ધક્કામુક્કી ન કરવા અપીલ કરવામાં આવી છે.
ખોરાક બાબતે વાસી ઉધિયું અને જૂની જલેબીથી બચવા તેમજ અવાજ પ્રદૂષણ વધારતા ડી.જે.નો ઉપયોગ ન કરવા સૂચન કરાયું છે. ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ ફાટેલા પતંગ અને તૂટેલા દોરા એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા જણાવાયું છે. આ સૂચનો IMA મોરબી બ્રાંન્ચના પ્રમુખ ડો. સુષ્મા દુધરેજીયા, પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશ સનારીયા અને સેક્રેટરી ડો. દીપ ભાડજા દ્વારા આપવામાં આવ્યા છે.









