મોરબી તાલુકાના પાનેલી ગામે બાંધકામમાં ભરાઈ કામ કરતા શ્રમિક પરિવારના ૧૧ માસના દીકરાનું બોલેરો ગાડી હડફેટે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.,જેમાં પાનેલી જીઆઈડીસીમાં બાંધકામ સાઇટ ઉપર પાણીના ટાંકાની ભરાઈ કામ ચાલતું હોય ત્યારે શ્રમિક દંપતી કામ કરતા હોય અને તેમનો ૧૧ માસનો પુત્ર ત્યાં રમતો હોય તે દરમિયાન બોલેરો ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી રમતા બાળકને હડફેટે લેતા, બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતક બાળકના પિતા દ્વારા બોલેરો ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના રતલામ જીલ્લાના સીંગત ગામના રહેવાસી હાલ મોરબી ખાટકીપરામાં ભાડેથી રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારા ઉવ.૨૪ વાળાએ તાલુકા પોલીસ મથકમાં આરોપી બોલેરો રજી.નં. જીજે-૩૬-એક્સ-૫૦૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જાહેર કર્યું કે, ગઈ તા.૨૬/૦૫ના રોજ તે અને તેની પત્ની તથા નાનોભાઈ તેમજ અન્ય મજૂરો સાથે મોરબી તાલુકાના પાનેલી ગામની જીઆઈડીસીમાં પાણીના ટાંકાની ભરાઈનું બાંધકામનું કામ કરતા હોય ત્યારે અનિલભાઈનો પુત્ર આશિષ ઉવ.૧૧ માસ વાળો ત્યાં રમતો હોય તે દરમિયાન ઉપરોક્ત બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ આગળ પાછળ જોયા વગર ચલાવી, શ્રમિક અનિલભાઇના પુત્રને બોલેરોની ક્લીનર સાઈડથી ઠોકરે ચડાવતા, રમતા બાળકને માથાના ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે પુત્ર આશીશને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ લાવતા, હાજર ડોક્ટરે જોઈ તપાસી આશીશને મૃત જાહેર કર્યો હતો. જે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે