શ્રી એમ.પી. દોશી વિદ્યાલય અને બ્રહ્મકુમારીઝ દ્વારા શાળામાં રક્ષાબંધનના કાર્યક્રમ સાથે સાથે એક પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં રક્ષાબંધનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિના માર્ગે દોરવાના માર્ગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી એમ.પી. દોશી વિદ્યાલય અને શ્રી બ્રહ્મકુમારીઝ-રાજકોટ શાખાના સંયુક્ત ઉપક્રમે શાળામાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે રક્ષાબંધનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિના માર્ગે દોરવાનો હતો. આ કાર્યક્રમમાં બહેનોએ પરંપરાગત રીતે ભાઈઓને રાખડી બાંધવાની સાથે એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે. તેઓએ ભાઈઓ પાસેથી રોકડ રકમ કે કોઈ ભૌતિક ઉપહારની અપેક્ષા રાખવાને બદલે વ્યસનમાં ફસાયેલા ભાઈઓને તેમની કુટેવો છોડવાની પ્રતિજ્ઞા લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉમદા વિચારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વ્યસનની ઝપટમાંથી બહાર લાવી, તેમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો. આ પહેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વ્યસનની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમે ન માત્ર રક્ષાબંધનના પવિત્ર બંધનને ઉજાગર કર્યું પરંતુ સમાજ અને રાષ્ટ્રના યુવાધનને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરણા પણ પૂરી પાડી હતી. જો આવા પ્રયાસો સાચા અર્થમાં ચરિતાર્થ થાય, તો અનેક યુવાનોની જિંદગીઓને વ્યસનની બેડીઓમાંથી મુક્ત કરી, સમાજને વધુ સશક્ત અને સ્વસ્થ બનાવી શકાય.