મુખ્યમંત્રીએ ટંંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાની કરેલી જાહેરાત બાદ પણ ટંકરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ જામ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકામાં સફાઈને લઈને તીવ્ર વિરોધ જોવા મળ્યો છે. જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપી નગરપાલિકાને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ટંકારા શહેરમાં વ્યાપક અસ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થાની બેદરકારીને લઈને આજે નગરપાલિકા કચેરીમાં તીવ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયા સહિતના લોકોએ સફાઈને લઈને બહબહાટી બોલાવી હતી અને તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં તેઓએ માત્ર સ્લોગન ચિતરવાના બદલે વાસ્તવિક સાવરણા વડે સફાઈ કરવાની માંગ કરી અને આગામી તહેવારને ધ્યાનમાં રાખી તાત્કાલિક સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે આગ્રહ કર્યો હતો. મહેશ રાજકોટિયાએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો 24 કલાકમાં સફાઈ માટે કોઈ કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો નગરપાલિકાને તાળાબંધ કરી દેવામાં આવશે. મહેશ રાજકોટિયાએ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરતાં કહ્યું કે, લોકોની સુખ-સુવિધા માટે જરૂર પડે તો મામલતદાર કચેરી સામે હાથમાં કટોરો લઈને ભીખ માંગીને તંત્ર પાસે પૈસાના હોઈ તો પોતે ઉઘરાણું કરી શહેર સાફ સુફ કરાવશું. જરૂર પડ્યે જાતે સફાઈ કામે વળગવુ પડશે. તેમણે શહેરની અસ્વચ્છતા પર તીવ્ર વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે આ અસ્વચ્છતા લોકોના આરોગ્ય અને જીવનને જોખમમાં મૂકી રહી છે.