મોરબી શહેરની પી.જી. પટેલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરની પી.જી. પટેલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજ સંસ્થા દ્વારા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસનું મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કોલેજની તમામ વિદ્યાર્થિનીઓને મહિલા સશક્તિકરણ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શક્તિશાળી સમાજના નિર્માણમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોલેજ મેનેજમેન્ટ તથા પ્રિન્સિપાલ દ્વારા કોલેજના મહિલા પ્રાધ્યાપકોનું પણ મેમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજા જણાવ્યા મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સફળતામાં મહિલા પ્રાધ્યાપકોનો મહત્વપૂર્ણ અને સકારાત્મક ફાળો રહેતો હોય છે. આથી મહિલા પ્રાધ્યાપકોના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. રવિન્દ્ર ભટ્ટ તથા મુખ્ય અતિથિ હિરલબેન વ્યાસના હસ્તે તમામ મહિલા પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.









