GMERS મેડિકલ કોલેજમાં કરવામાં આવેલ અસહ્ય ફી વધારો પાછો ખેચવા માટે વાલીમંડળ મોરબી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાને રૂબરૂમાં રજુઆત કરવામાં આવી છે.
વાલી મંડળ મોરબી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર મારફતે તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને રૂબરૂ મળીને GMERS મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલ ફી વધારા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય અને શિક્ષણ એ કોઈપણ સષ્ટ્રની ઉન્નતિનો આધારસ્તંભ છે ત્યારે ભારતના આરોગ્ય ક્ષેત્રને વિશ્વ કક્ષાનું બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કોલેજ સ્થપાય તે અંગે સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ વર્ષે સરકારે GMERS મેડિકલ કોલેજમાં ફ્રી માં અંદાજે 70% જેટલો વધારો કરી વિદ્યાર્થીઓને તથા વાલીઓને આઘાત સાથે આંચકો આપવાનું કાર્ય કર્યું છે. ગુજરાત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ બાદ બોન્ડ મુજબ ગુજરાતમાં સેવા પણ આપે છે ત્યારે સરકારી જમીન પર તથા સરકારી ખર્ચે બનનારી GMERS મેડિકલ કોલેજમાં ફી માં આટલો બધો વધારો એ સામાન્ય માણસોને દાઝયા પર ડામ જેવી સ્થિતિ છે. તેમજ આ વર્ષે NEET પરીક્ષામાં પણ જોવા મળેલી અનિયમિતતાને લીધે વિધાર્થીઓ અને વાલીઓ પહેલેથી વ્યથિત છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર જેના હૈયે હમેશા પ્રજા હિત રહ્યું છે તે વિધાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં લઈ આ ફી વધારાને સંપૂર્ણ પાછો ખેંચી મેડિકલ શિક્ષણને સામાન્ય માણસના બાળકોની પહોંચમાં હોય તેવું બનાવે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય અને અસરકારક રજુઆત લોકહિતમાં કરવામાં આવશે તેમ બાહેંધરી આપી છે.