રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહિબિશન-જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ,શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાનમાંથી તેમજ સાપર ગામે આવેલ કરિયાણા ની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ કે.એ.વાળાએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા, ડીલક્ષ નામની દિનેશભાઇ લાલજીભાઇ મેવાડા (રહે ખાખરેચી, તા.જી.મોરબી) નામના શખ્સની દુકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીપની અલગ અલગ બનાવટની કુલ ૧૩૬ બોટલનો રૂ.૨૦,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સાપર ગામની સીમમાં આવેલ વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા (રહે-ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી મોરબી) નામના શખ્સની ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાં રેઈડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આયુર્વેદિક શીરપની રૂ.૧,૨૬,૦૦૦/-ની કિંમતની કુલ ૮૪૦ બોટલનો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.