ખોટા પંચક્યાસ ઉભા કરી રૂ. ૨.૬૬ લાખ અન્ય વ્યક્તિને ચૂકવાયાનું સામે આવ્યું, ઊંડાણપૂર્વક તપાસની માંગ.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામમાં ખેતરમાં નાખવામાં આવેલા જેટકોના વીજ પોલના વળતર મુદ્દે વિવાદ ઊભો થયો છે. જમીન માલિકે જેટકોના અધિકારીઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ખોટા પંચક્યાસ બનાવી અન્ય વ્યક્તિને રૂ. ૨.૬૬ લાખ ચૂકવાયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ જમીનમાં માલિકની મંજૂરી વગર થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો. આ મામલે નાયબ ઈજનેર સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થાય તો વધુ મોટા ખુલાસા થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામમાં જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ખેતરમાં વિજ પોલ ઉભો કરવાના મામલે વળતર ચુકવણી બાબતે ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે મોટા દહીંસરા ગામના મૂળ વતની અને હાલ રાજકોટ નિવાસી જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા(નિવૃત જિલ્લા પંચાયત કર્મચારી) ઉવ.૬૧ વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી (૧)જેટકો કંપનીના જવાબદાર અધિકારી, (૨)જેટકો કંપનીના નાયબ ઈજનેર જે.એમ. વિરમગામા, (૩)પંચક્યાસમાં ક્રમ નં.એકમાં સહિ કરનાર માણસ, (૪)પંચક્યાસમાં ક્રમ નં બે માં સહિ કરનાર માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તેમની માલિકીની જમીન સર્વે નં. ૫૭૬/૧ પૈકી ૨માં વર્ષ ૨૦૧૮ દરમિયાન જેટકો દ્વારા ૧૩૨ કે.વી. વીજલાઈન માટે પોલ નં. AP-4 ઉભો કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ જેટકોના અધિકારીઓ દ્વારા જમીન માલિકની સંમતિ લીધા વિના ખેતરનો પ્રવેશદ્વાર તોડી, ઉભા પાકને નુકસાન પહોંચાડી પોલ ઉભો કરી દીધો હતો અને બાદમાં તેમની ગેરહાજરીમાં વાયરો પણ નાખી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વળતર ચૂકવવા માટે કરાયેલા પંચક્યાસોમાં ગડબડ હોવાની શંકાએ આર.ટી.આઈ.થી મેળવેલા દસ્તાવેજોના આધારે ફરિયાદીએ જણાવ્યું છે કે તેમના જમીનના સર્વે નંબરના બદલે અન્ય વ્યક્તિના નામે રૂ. ૨,૬૬,૯૧૫/-નું વળતર ચૂકવાયું છે. સાથે જ પંચક્યાસમાં દર્શાવાયેલા સાક્ષી (પંચ) પૈકી એક નામનો કોઈ વ્યક્તિ મોટા દહીંસરા ગામમાં રહેતો જ ન હોવાનું અને પંચકયાસ બીજામાં જે વ્યક્તિનું નામ છે તેણે આવી કોઈ સહી ન કર્યાનું નિવેદન આપ્યું છે.
આ સમગ્ર મામલે જેટકોના જવાબદાર અધિકારી, નાયબ ઈજનેર જે.એમ. વિરમગામા તથા પંચક્યાસમાં સહી કરનાર/કરાવનાર વ્યક્તિઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ વિભાગમાં આર.ટી.આઈ દ્વારા દસ્તાવેજો એકત્ર કરવાનું અને વિવિધ કચેરીઓ તથા કોર્ટમાં અરજીઓ કરવાને લીધે ફરિયાદી જયસુખભાઈએ ફરિયાદ મોડી દાખલ કરાઈ છે. હાલ માળીયા(મી) પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગકલની તપાસ હાથ ધરવામાં આવી છે.









