રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં મિલ્ક્ય સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનાં મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક આરોપીને મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ એક મોબાઈલ ચોરીનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુનો શોધી કાઢવા સારૂ મોરબી એલસીબી ટિમ કાર્યરત હતી. દરમિયાન ગઈકાલે એલ.સી.બી. ટીમને ખાનગીરાહે મળેલ હકિકત આધારે હાર્દીક ગોવિંદભાઈ અસૈયા (રજપુત) (રહે.વાંકાનેર, આરોગ્યનગર, શેરી નંબર-૫, તા.વાંકાનેર જી.મોરબી)ને વાંકાનેર ગાયત્રીચોક આરોગ્યનગર ખાતેથી આ ગુનાના મુદામાલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી તેની ગુના સંબધી પુછપરછ કરતા આ મોબાઇલ ફોન તેણે ચોરી કરી મેળવેલ હોવાની હકિકત જણાવતો હોય જેથી ઇસમે આ ફોન ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા શકમંદ મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યો છે.