રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે મજકુર ઇસમના રહેણાંક મકાનના પાછળના ભાગે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન તેઓને બાતમી મળેલ કે, બેલા ગામે રહેતો હુશેનભાઇ મીયાણા જેને આછા ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તે ઇસમ પોતાના રહેણાંક મકાનની પાછળ બાવળની કાંટ પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે બેઠેલ છે. જે બાતમી હકીકતનાં આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો હુશેનભાઇ નુરાલીભાઇ જામ (રહે.બેલા જુના ગામમાં તા.જી.મોરબી) નામનો ઇસમ રૂ.૨૦૦૦/-ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂકનાં મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાયો છે.