મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં વૃધ્ધ પર ઘાતકી હુમલો કરવાનાં ગુન્હામાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ ૫૦ હજાર રૂપિયા વળતર પેટે ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૦૩-૧૨-૨૦૧૮ ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બેચરભાઈ જગજીવનભાઈ ચાઉ નામના આરોપીએ ફરીયાદી કાનજીભાઇ કુંવરજીભાઇ બારેજીયા સાથે પ્લોટ બાબતે માથાકુટ કરી ફરીયાદીને ગાળો આપતા ફરીયાદીએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જમણાં હાથમાં કોણી પાસે છરીથી ઈજા કરી, મારી નાખવાના ઈરાદે ફરીયાદીને છરી વડે પેટમાં જમણી બાજુએ છાતીની નીચેના ભાગે ગંભીર જીવલેણ ઈજા કરી ફરીયાદીનું મોત નિપજાવવાની કોશીષ કરેલ, તેમજ હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલિસ દ્વારા આરોપીની અટક કરી મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધદેવની કોર્ટમાં રજુ કરતા કોર્ટે 12 મૌખિક અને 23 દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલોને આધારે આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.