હળવદનાં સુરવદર ગામે વર્ષ ૨૦૧૮ માં થયેલ હત્યાનાં મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં બે આરોપીઓ પૈકી મુખ્ય આરોપીને કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા તથા ૧,૦૧,૦૦ નો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, નવેમ્બર ૨૦૧૮ માં આરોપી મનસુખ દેસાઇના દીકરા અંકિતે મૃતક અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણીની દિકરીની અગાઉ છેડતી કરેલ હોય જે બાબતે અશોકભાઈએ આરોપીઓને ઠપકો આપેલ હોય જેના મનદુઃખના કારણે આરોપીઓ મનસુખ દેસાઇ અને જતીન દેસાઈએ સુરવદર ગામે અશોકભાઈને ગાળો આપી મનસુખે છરી વતી મૃતકને પીઠના ભાગે ઇજા કરી તથા જતિને ધોકા વતી છાતીના ભાગે માર મારી ઇજા કરતા મૃતકને ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં ખેસડયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. જે સમગ્ર મામલો બીજા એડીશ્નલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલતા કોર્ટે ૧૦ મૌખિક તથા ૨૯ લેખિત પુરાવાનાં આધારે સરકારી વકીલ સંજય સી દવેની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી મનસુખ દેસાઇને ૧૦ વર્ષની જેલ સજા તથા ૧ લાખ ૧ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય આરોપી જતીનને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે.