મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને થોડા દિવસો પહેલા ઇન્સ્ટગ્રામમાં એક શખ્સ દ્વારા વિડીયો મૂકી બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરીયાદના આધારે એસઓજીની ટીમે આરોપીને સોનગઢ બોર્ડર પાસેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં મહેશ બોરિચા નામના શખ્સ દ્વારા ઇન્સ્ટગ્રામમાં થોડા દિવસો પૂર્વે એક વિડીયો ઉપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં તે માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને બેફામ ગાળો આપી ગર્ભિત ધમકી આપી રહ્યા છે. જે વિડીયો મોરબીની અવની ચોકડી પાસે આવેલ અમૃત વાટિકા સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર જયદીપભાઇ મનસુખભાઈ દેત્રોજાના ધ્યાન ઉપર આવતા તેઓએ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઇ પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમિયાન મોરબી જિલ્લા એસઓજીના પી.આઇ એમ.પી. પંડ્યા અને તેની ટીમના માણસૂરભાઈ આહીર તથા આશીફભાઈ ચણકીયાને બાતમી મળી હતી કે, આરોપી મહેશભાઈ બોરિચા સોનગઢ બોર્ડર પાસે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મહેશભાઇ ભૂપતભાઇ કાનડા (રહે. લીલપર રોડ પાંજરાપોળની સામે ન્યુ પ્રજાપત સોસાયટી)ને હસ્તગત કરીને મોરબી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.