રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. આ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, પરંતુ કેટલાક ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રદ થયાનો એસએમએસ આવ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ત્યારે આ અંગે પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયા દ્વારા ચિમકી ઉચ્ચારાતા કહ્યું છે કે, “એક પણ ખેડૂતનું ફોમ રદ થયું તો જોવા જેવી થશે”. જયારે ખેતી વાડી અધિકારી અશોક હડિયલે કહ્યું હતું કે, ગામ સેવકો અને એપ્લિકેશન સાથે મળીને સમસ્યા સુલટાવી લેશુ.
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાની આશામાં ખેડૂતોએ કરેલા રજીસ્ટ્રેશનમાંથી અનેકના નામો સેટેલાઈટ મેપિંગના કારણે કેન્સલ થતાં હાલાકી વધી છે. આ મુદ્દાને લઈને ટંકારા તાલુકાના ખેડૂતોએ પાટીદાર અનામત આંદોલનના અગ્રણી મહેશ રાજકોટિયાને સાથે લઈને તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. આ બાબતે રાજકોટિયાએ સખત ચેતવણી જારી કરી છે કે, “જો એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થયું તો જોવા જેવું થશે.” ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લઘુતમ સમર્થન મૂલ્ય (ટેકા) યોજના હેઠળ મગફળીના વેચાણ માટે ખેડૂતોએ ઉજાગરા કરીને અને ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, સેટેલાઈટ મેપિંગ અને અન્ય તપાસ પ્રક્રિયાઓમાંથી ઘણા ખેડૂતોના નામો કેન્સલ થઈ ગયા છે. આ તમામ બાબતો પર ખેતી વાડી અધિકારી અશોક હડિયલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલે ટંકારા તાલુકાના રદ થયેલ રજીસ્ટ્રેશનની યાદી ઉપર યુધ્ધના ધોરણે કામ શરૂ છે ટેકનોલોજી નો ઉપયોગ કરી અમે આ કામ સમય મર્યાદામાં આટોપી લેશુ.