વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના વાડી વિસ્તારમાં ત્રણ દીપડાઓએ દેખા દીધા હતા. જેને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જે વચ્ચે ત્રણ દીપડાઓએ ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. જેની વનવિભાગને ફરિયાદ મળતા જ વનવિભાગે ખેડૂતની વાડી આસપાસ પાંજરા ગોઠવી દીધા છે. તેમજ વન વિભાગના મતે દીપડા સમૂહમાં ન આવે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હેમંતભાઈ મેણંદભાઈ ડાંગર નામના ખેડૂત રાત્રીના સમયે પોતાની વાડીએ હતા. ત્યારે ત્રણ દીપડાઓએ વાડી ખાતે ધસી આવી ખેડૂત પર હુમલો કર્યો હતો. ત્યારે ખેડૂતે પોતાનો જીવ બચાવવા સ્થળ પરથી દોડ મૂકી અગાસી પર ચડી ગયા હતા. તેમજ સમગ્ર મામલે તેમના દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે વાંકાનેર વનવિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બનાવ બાદ ખેડૂતની વાડી નજીક પાંજરું મુકવામાં આવ્યું છે. જો કે રાની પશુ દીપડા હમેશા એકલા વિહાર કરતા હોય છે અને સમૂહમાં વિચરણ ન કરતા હોવા છતાં હાલ આ મામલે વન વિભાગ ગંભીર બની દીપડાના સગડ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂત હેમંતભાઈની વાડીમાં દીપડાએ હુમલો કરી પશુઓનો મારણ કર્યું હોવાનું અને વન વિભાગે વળતર પણ ચૂકવી દીધાનું જાણવા મળે છે.