મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલયનુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં હનુમાનચાલીસાના પાઠ તથા દીપપ્રાગટ્ય દ્વારા સર્વ હિન્દુ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
સર્વ હિન્દુ સંગઠનના જણાવ્યા અનુસાર, પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમીના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે. ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનુ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન સમારોહમાં પ.પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), પ.પૂ. ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા), પ.પૂ. નાગરાજબાપુ (નકલંક ધામ- જાજાસર), પ.પૂ. દેવરામબાપુ (જલારામ મંદિર, પ.પૂ. હરીકીશનદાસજી મહારાજ (રામજી મંદિર), પ.પૂ. હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.