મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જે બાદ હોળી પહેલા જ જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળી ગયા હતા. અને આજે તેમને જેલ મુક્તિ મળી છે. સંભવિત 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે. મોરબી ડીસ્ટ્રિક્ટ કોર્ટે જયસુખ પટેલને શરતોને આધીન જામીન આપ્યા છે. તેમજ જયસુખ પટેલને એક લાખ રૂપિયા બોન્ડ પર જામીન મળ્યા છે. મોરબી જિલ્લાની હદમાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશવાનું નહિ, ભારત દેશની હદ નહિ છોડવાની અને પાસપોર્ટ જમા કરાવવા કોર્ટ દ્વારા આદેશ અપાયો છે. તેમજ દર મુદ્દતે હાજર રહેવા, સાક્ષી પુરાવા સાથે કોઈ ચેડાં ના કરવા જણાવાયું છે. મોરબી જીલ્લા બહાર રહેવાનું હોય ત્યાં નવું સરનામું કોર્ટ સમક્ષ મૂકવા પણ આદેશ અપાયો છે. મોરબી ડીસ્ટ્રિક્ટ કોર્ટની જયસુખ પટેલ તમામ શરતો માન્ય રાખી બીડું આપતા જયસુખ પટેલને જામીન મળતા હાલ તેઓ 17 મહિના બાદ ઘરે પહોંચ્યા છે.