સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના સરેઆમ થતા ભંગના બનાવોને ઘટાડવા માટે મોરબી જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરતા કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. આ અકસ્માતોમાં વાહનચાલકોની બેદરકારી જોવા મળે છે, ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું. જેના સંદર્ભમાં માર્ગ પરિવહન મંત્રાલય હવે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે વાહન વ્યવહાર મંત્રી દ્વારા મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન આપવામાં આવેલ સૂચના અન્વયે પોલીસ અને મોરબી આર.ટી.ઓ. દ્વારા ગઈકાલે તા. 25/07/2025ના રોજ કાળા કાચ વાળા 37 વાહનો તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનો તેમજ મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂ. 5.66 લાખનો દંડ કરવામાં આવ્યો છે