મોરબી:અજય લોરિયા તેમજ ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના પાંચમા દિવસે શહીદ જવાનોના પરિવારોને મોરબી ન્યાયાધીશો તેમજ જીલ્લા સરકારી વકીલના વરદ હસ્તે૧-૧ લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવરાત્રી માત્ર ભક્તિ અને આનંદનો તહેવાર નથી, પરંતુ સમાજ પ્રત્યેની ફરજ અને આદર વ્યક્ત કરવાનો પણ અવસર છે. મોરબીમાં અજય લોરિયા તેમજ ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીના પાંચમા દીવસે આ જ ભાવનાને સાકાર કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દેશ માટે શહીદ થયેલા બે વીર જવાનોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં શહીદ જવાન ચિતરંજન (બિહાર) અને શહીદ જવાન લાલજીભાઈ બામભણીયા (ગીર સોમનાથ)ના પરિવારોને ૧-૧ લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને માં ભારતીના ઋણને ચુકવવાનો પ્રયાસ કરાયો હતો. આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કે.આર. પંડ્યા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.પી. શાહ, ચીફ જ્યૂડીસીયલ મેજિસ્ટ્રેટ જે.જે. ગઢવી, એડિશનલ સિનિયર સિવિલ જજ સી.વાય. જાડેજા, મોરબી બાર એસોસિએશન પ્રમુખ ચેતનભાઈ સોરીયા તથા મોરબી સરકારી વકીલ (ડીજીપી) વિજયભાઈ જાની ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે શહીદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.