જૂનાગઢ નેત્રમ શાખા એ ગુમ થયેલી વસ્તુ અને ગુનાઓ શોધવા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 16 મો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જુનાગઢ નેત્રમ શાખાને અત્યાર સુધીમાં 21 એવોર્ડથી રાજ્યના પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે આજ ફરી CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને 16મી વખત એવોર્ડ મળ્યો છે.
ગુજરાત પોલીસ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે ગુજરાત રાજ્યના ડીજીપીના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જે અંતર્ગત ગત 01 જાન્યુઆરીથી 31 માર્ચ, 2025 સુધીમાં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવ્યો છે.
જે સમયગાળા દરમિયાન કુલ 2204 કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે, જે પૈકી 2129 કેસ જૂનાગઢ જિલ્લાના અને 75 કેસ અન્ય જિલ્લાના હતા. આ દરમિયાન કુલ 8,88,34,563/-નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે. જે કામગીરીની નોંધ લઈને જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં 16મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને 2 વખત ઇ-કોપ એવોર્ડ સહિત કુલ 21 એવોર્ડ સાથે જૂનાગઢ પોલીસને ગર્વ અપાવ્યો છે. નેત્રમ શાખા જૂનાગઢમાં હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી. એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને 27 પોલીસ સ્ટાફ તથા એન્જીનીયર 24×7 ફરજ બજાવે છે