માંડવી નગરમાં માછીવાડમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની વચ્ચે થતા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બહાર આવી હતી. ત્યારે પતિ પત્નીની હત્યા કરી ફરાર થઇ જતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે કાગડાપીઠ પોલીસ દ્વારા બાતમીનાં આધારે આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરે શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હતી, જેને અનુસંધાને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પીઆઇ એસ.એ. ગોહિલ અને પીઆઇ એસ.એસ.સોલંકીની ટીમે પેટ્રૉલિંગ શરૂ કર્યુ હતુ, આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સુરતના માંડવીનો એક આરોપી શહેરની ગીતા મંદિર બસ સ્ટેશન પર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે કાગડાપીઠ પોલીસની ટીમે આરોપી શખ્સ દિનેશભાઇ વેલજીભાઇ ડામોરને ઝડપી પાડ્યો હતો, આરોપી દિનેશ ડામોર મૂળ સંતરામપુરનો રહેવાસી છે અને સુરતના માંડવીમાં એસટી ડ્રાઇવરની નોકરી કરતો હતો, જ્યારે તે માંડવી રહેતો હતો ત્યારે તેની પત્ની સાથે વારંવાર પીયર જવાની બાબતે ઝઘડા થતા હતા, જે પછી દિનેશ ડામોરે આશરે પાંચ છ દિવસ પહેલા પત્નીનું સાડી વડે ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. ઘરને તાળુ મારીને ત્યાંથી નાસી છૂટેલા દિનેશ ડામોર પર માંડવી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાના આ ગુનાને લઇને અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસે તેને ગીતામંદિર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં આરોપી દિનેશ ડામોરને માંડવી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે