મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મોરબી મનપાનાં કમિશ્નર, કલેક્ટર, પાંજરાપોળ, સંસાલક તથા ધારાસભ્યને પત્ર લખી મોરબીના કૈલાશધામ અને મુકિતધામ ખંડેર હાલત અંગે રજૂઆત કરી છે. તેમજ અગાઉ તા.:-૧૦-૧૧-૨૦૨૫ ના રોજ પણ આ બાબતે અરજી કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી ના કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને આગામી એક માસમાં આ અંગે કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા આજ રોજ મોરબી મનપાનાં કમિશ્નર, કલેક્ટર, પાંજરાપોળ, સંસાલક તથા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે, મોરબી શહેર વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશધામ તથા લીલાપર રોડ ઉપર આવેલ મુકિતધામ હાલ સંપૂર્ણ ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયાં છે. જીવતા હોય ત્યારે મોરબીની પ્રજાને સુવિધાઓનો અભાવ રહે છે, પરંતુ મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા દુર્દશાપૂર્ણ હાલતમાં હોવાનો ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યું છે. કૈલાશધામ અને મુકિયધામ બંને સ્થળે અગ્નિદાન માટેના ખાટલા તૂટી પડેલા છે, ઠાઠનીઓ અને બેઠકોની સગવડ નથી, બિન ઉપયોગી હાલતમાં શેડ અને દિવાલો તુટી પડયાં છે, છત તુટી ગઇ છે, સંડાસ બાથરૂમમાં પણ બારણા નથી તે પણ તુટી ગયેલ છે. લીલાપર રોડ પર આવેલ મુકિતધામમાં તો અંદર સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા પણ ખંડિત હાલતમાં છે. તે એક સરમજનક કહેવાય ત્યાં આવેલા છ થી ૧૦ જેટલા બાથરૂમમાં પાણીની સગવડ નથી. તો દરવાજા અને દીવાલો તથા છત તૂટી પડવાની સ્થિતિમાં છે. બેસવા માટેની ખુરશીઓ તૂટી પડેલી ધૂળધાણથી ભરેલી છે અને અંતિમ સંસ્કાર માટે આવતા સગા-સંબંધીઓને છાંયો કે પીવાનું પાણી જેવી મુળભુત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ દુર્દશા સામે સામાજીક કાર્યકરો મોરબી જીલ્લામાંના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તથા તાજેતરમાં બનેલા શ્રમ રોજગાર મંત્રી પણ મોરબીના જ હોવા છતાં જો સ્મશાનની હાલત આટલી વણસી ગઈ હોય, આ બાબતમાં મોરબી-માળિયા મત વિસ્તારના મંત્રી કાન્તીભાઈ અમૃતિયાને તથા કલેકટરને તથા મોરબી મનપા કમિશ્નર તથા પાંજળા પોળના ટ્રસ્ટીને પણ જાણ કરવામાં આવશે. તો મોરબી શહેરની અન્ય જાહેર સુવિધાઓની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. મોરબીના પાંજરાપોળ વિસ્તારમાં લાખો રૂપિયાનો ફંડ હોવા છતા અને લાખો રૂપિયાનું દાન આવે છે. છતાં ત્યાં ઓફિસ માટે એ.સી રૂમ તથા આધુનિક બિલ્ડિંગ તાત્કાલિક ઉભું કરી દેવામાં આવે છે, પરંતુ અંતિમ સંસ્કાર જેવી માનવગૌરવ સાથે જોડાયેલી જગ્યા પર આશરે ૩૦ થી ૪૦ વર્ષથી એક ઇંટ પણ નહીં મુકાઈ હોય તે તંત્રની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાનું જીવંત ઉદાહરણ છે. તંત્રને તાત્કાલીક ધોરણે કૈલાશધામ અને મુક્તિધામ બંનેનું સંપુર્ણ રીનોવેશન કરી અંતિમ સંસ્કાર માટે માનવ સન્માનને યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તાકીદ કરી છે. જો આ સ્મશાનનું કામ તાત્કાલીક નહીં કરવામાં આવે તો સામાજીક કાર્યકરો આમ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.









