વાંકાનેર સહીત મોરબી જીલ્લામાં માતેલા સાંઢની જેમ બેફામ ગતિએ ચાલતા ડમ્પરો દ્વારા છાસવારે માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં કેટલાય લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે યા તો લોકો પોતાની અમૂલ્ય જીંદગી ગુમાવી મોતને ભેટે છે. આ પહેલા પણ પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચાલતા ડમ્પરો વિરુદ્ધ ઘણી ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આરટીઓ કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે વિભાગીય તંત્ર દ્વારા દાખવવામાં આવતી ઢીલી નીતિને કારણે આ માતેલા સાંઢ જેવા ડમ્પરો દ્વારા હજુ કેટલા લોકોના ભોગ લેવાશે તે આવનાર સમયમાં જોવું રહ્યું ત્યારે વધુ એક કાળમુખા ડમ્પર દ્વારા બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના પુત્ર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં ઝાંઝર સિનેમા પાસે આવેલ શિવપાર્કમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા ઉવ.૩૪ એ આરોપી ડમ્પર રજી. નં. જીજે-૩૬-એકસ-૫૫૫૧ના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૧/૦૫ ના રોજ રાહુલભાઈના પિતાજી સુરેશભાઈ ઘરોડીયા ગોવેલ કંપનીનુ ઝેડ.એકસ મોડેલનું ઇલેકટ્રીક બાઈક લઈને પોતાના શિવપાર્કના રહેણાંકથી ભાટિયા સોસાયટીમાં જતા હોય તે દરમિયાન બપોરના બારેક વાગ્યાના સુમારે તેઓ વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે પહોંચ્યા હતા તે દરમિયાન ઉપરોક્ત રજી.નં.ના ડમ્પર ચાલકે પોતાનુ ડમ્પર પુર ઝડપે અને ગફલતભીર રીતે બેદકારીપુર્વક ચલાવી રાહુલભાઈના પિતાના સ્કુટરને હડફેટે લેતા તેઓને છાતીના પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે સુરેશભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ચાલુ સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. તે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સમગ્ર અકસ્માતમાં મૃત્યુ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.