આજે કેવડા ત્રીજનું વ્રત પરિણીત અને અપરિણીત એમ બંને પ્રકારની મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે, જ્યારે અપરિણીત કન્યાઓ સારો પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે. એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું. ત્યારે હળવદનાં ચરાડવા ગામે સ્થિત સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજની ઉજવણી કરાઈ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામમાં શ્રી સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે આજે તા.26/08/25 ના રોજ કેડવા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. આ દિવસે સવારે મહિલાઓ વહેલા ઉઠી. નાહી-ધોઈ ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જાય છે. જ્યાં મહાદેવજીનુ ભક્તિભાવ પૂર્વક પૂજન કરીને સર્વ વનસ્પતિ,બિલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરી,વારંવાર કેવડો સૂંઘી શિવજીનુ સ્મરણ કરે છે.
આ વ્રતમાં માતા પાર્વતીજીએ માટીનુ શિવલિંગ બનાવ્યું હતું. જેથી મહાદેવજી પ્રસન્ન થયા અને માતાજીને વરદાન માંગવાનુ કહ્યું ત્યારે પાર્વતી માતાજીએ શિવજી સાથે લગ્ન કરવા માટેનુ વરદાન માગ્યું હતું. આ વ્રતના કારણે મહાદેવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા. ઉલ્લેખનીય છે કે, પાર્વતીજીના પિતાનુ નામ હિમાલય અને માતાનુ નામ મેનાજી હતું જેથી આ વ્રતને હરિતલિકા વ્રત પણ કહે છે. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.