મોરબી જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલ અંગે ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં ટંકારા મામલતદાર વતી કલેક્ટરને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ટંકારા મામલતદાર વતી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગણી કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ફેલાતી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. સરકાર દ્વારા વાહનમાં જ પેટ્રોલ-ડીઝલ આપવાનો નિર્ણય સંગ્રહખોરી અટકાવવા યોગ્ય હોવાનું સંઘે જણાવ્યું છે. તેમ છતાં, ભવિષ્યમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો ડીઝલની અછત ઊભી થવાની શક્યતા હોવાથી ખેડૂતોને ખેતી માટે જરૂરી ડીઝલ મળતું રહે તે માટે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કિસાન સંઘે સ્પષ્ટ કર્યું છે કે, ખેતીના સાધનો ચાલુ રાખવા માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મામલતદાર કક્ષાએથી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.









