માળીયા(મી) તાલુકાના સરવડ ગામે ધાર્મિક પ્રસંગના જમણવાર સમયે ગાળો બોલવાની ના પાડતા, જે બાબતે ઉશ્કેરાયેલ ત્રણ શખ્સો દ્વારા છરી, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે બે લોકો ઉપર હુમલો કરવાની ઘટનામાં ત્રણ પિતા-પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) તાલુકાના સરવડ ગામે જુના વણકરવાસમાં રહેતા દિપકભાઇ વિરજીભાઇ મુછડીયા ઉવ.૨૭ એ આરોપી અરવિંદભાઇ રણછોડભાઇ પરમાર, તુલસીભાઇ રણછોડભાઇ પરમાર તથા રણછોડભાઇ પરમાર બધા રહે-સરવડ ગામ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૦/૦૫ના રોજ સરવડ ગામે નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમણવાર પ્રસંગે અરવિંદભાઈ ગાળો બોલતા હોય ત્યારે તેઓને ગામના પંકજભાઈ દ્વારા ગાળો બોલવાની ના પાડતા, પંકજભાઈ અને અરવિંદભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે સારૂ નહી લાગતા, ત્રણેય પિતા પુત્રો હાથમાં છરી ધારીયા લઈને આવી, પંકજભાઈને ત્રણેય જણા ભુંડી ગાળો બોલી આરોપી તુલસીભાઈએ છરી વડે પંકજભાઈને પેટના ભાગે તથા ખંભા નીચે ઇજા પહોંચાડી હતી, તે દરમિયાન ફરિયાદી દીપકભાઈ છુટા પડાવવા વચ્ચે પડતા તેઓને પણ છરી અને ધારીયા વડે ઇજાઓ પહોંચાડી ત્રણેય ભેગા મળી ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો. જે બાદ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા, જ્યાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.