મોરબીના વાવડી રોડ પર આવેલ મિલન પાર્ક-૦૧મા મારામારીનો બનાવ સામે આવ્યો છે જેમાં બે મિત્રો વચ્ચે ગાળો બોલવા બાબતે બાબતે થયેલ માથાકૂટમાં છરીઓ ઉડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મોરબીના મહેન્દ્રપરા શેરી નં.૧૪માં રહેતા સાહિલ રફિકભાઇ સેડાત નામના ૧૬ વર્ષીય તરૂણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં આરોપી ઇરફાન યાસીનભાઇ કટીયા (રહે.લાતી પ્લોટ) અને રીયાજ રમજાનભાઇ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યાનુસાર સાહિલ અને આરોપી બન્ને મિત્રો હોય આથી આરોપી ઇરફાન વાવડી રોડ પર ઉભો હતો ત્યારે સાહિલ ને ઉભુ રહેવા અવાજ કરવા છતાં સાહિલ ઉભો ન રહ્યો હતો જેનો ખાર રાખી બને આરોપીઓએ સાહિલને ભૂંડી ગાળો ભાંડી હતી ત્યારબાદ ઝપા-ઝપી કરી હતી. વધુમાં ઇરફાને આડેધડ છરી ના ઘા ઝીંકતા સાહિલને ઇજા થવા પામી હતી.જે અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સામે પક્ષે ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા (ઉ.વ.૧૬) એ સાહીલ રફીકભાઇ સેડાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે સાહિલે ઇરફાનને ભુંડી ગાળો બોલતા ઇરફાને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી સાહિલને સારું ન લાગતા ઢીકાપાટુનો મુંઢમાર મારી અને છરી વડે એક ઘા ઝીંકતા ફેફસાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું જણાવ્યું હતું જે ફરિયાદને પગલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.