મોરબી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરતા એક જ દિવસમાં અનેક ડેમો ઓવરફ્લો થયા છે. તેમજ જિલ્લાના અનેક વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
સાર્વત્રિક વરસાદને પગલે મોરબી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં ટંકારા નજીક આવેલ બંગાવડી ડેમ ઓવરફલો થયો છે. બંગાવડી ડેમમાંથી ૧૪૫૨ ક્યુસેક પાણીની આવક સામે ૧૪૫૨ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જયારે મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમનો એક દરવાજો ખોલાયો છે. ડેમનો એક દરવાજો ૦.૩ મીટર ખોલવામાં આવ્યો છે. જેથી ડેમમાં ૧૫૨૬ ક્યુસેક પાણીની આવક સામે ૧૫૨૬ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તેમજ મોરબી માળિયા તાલુકાના દસ ગામોને એલર્ટ અપાયું છે. જેમાં મોરબી તાલુકાના ઝીકિયારી, ચકમપર ,જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર મચ્છુ,રાપર, અને માળીયા ના માણાબા,સુલતાનપુર અને ચીખલી ગામોને એલર્ટ અપાયું છે. તેમજ હળવદનો શક્તિસાગર ડેમ ૮૦% ભરાઈ જતાં એલર્ટ અપાયું છે. જેના કારણે હળવદ તાલુકાના નવ ગામો સુસવાવ, કેદારીયા ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર, માનગઢને એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે મોરબીનો મચ્છુ ૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલાયો છે. ડેમમાં ૧૭૯૬ ક્યુસેક પાણીની આવક સામે ૧૭૯૬ ક્યુસેક પાણીની જાવક શરૂ થઇ જવા પામી છે. જેના કારણે મોરબી અને માળીયા તાલુકાના ૨૧ ગામો જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા,માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુડકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુર ગઢ, સોખડા અને માળીયા તાલુકાના દેરાળા,મેઘપર,નવાગામ, રાસંગપર, વીર વીદરકા,માળીયા,હરીપર અને ફતેપર ગામોને એલર્ટ અપાયું છે. જયારે વાત કરવામાં આવે તો મોરબીના મચ્છુ ૨ ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. મચ્છુ 2 ડેમમાં નદી દ્વારા 22960 ક્યુસેક પ્રવાહ અને સૌની યોજના અંતર્ગત 160 ક્યુસેક પ્રવાહ પાણીની આવક ચાલુ થઇ છે. જેથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 67.15% ભરાયો છે.