ગુજરાતનો ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો તેમના એક નિવેદનના કારણે વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાયું હતું. ત્યારે આજે પરષોત્તમ રૂપાલા મોરબીનાં પ્રવાસે આવનાર હોય જેને લઈ પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટના રતનપરમાં ગઈ કાલે રાજપૂત સમાજનું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઊમટ્યો હતો અને જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાઈ તો આવનારી ચૂંટણીમાં BJPનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને ક્ષત્રિયોએ શપથ લીધા હતા. ત્યારે આજે પરષોત્તમ રૂપાલા મોરબી પ્રવાસ માં સાંજે આવવાના હોઈ જેમાં મોરબીનાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનો કોઈ વિરોધ ન નોંધાવે તે માટે તેઓને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પર આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું હતું કે, આજે સાંજે પરષોત્તમ રૂપાલા મોરબી પ્રવાસે આવવાના હોય જેને લઇ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનો ને ભાજપના ઇશારે પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. સરમુખત્યારની જેમ ભાજપના ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને મોરબી ના ક્ષત્રિય સમાજના લોકો સખત શબ્દોમાં વખોડે છે.