મોરબી શહેરમાં અચાનક મોડી સાંજે એક સાથે મોરબી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફરી વળતા ગુનેગારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને સામાન્ય લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થવા લાગી હતી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા માંથી પોલીસ જવાનો અને અધિકારીઓ ને મોરબી શહેર ખાતે બોલાવવામાં આવ્યા અને મોડી સાંજે એક સાથે તમામ પોલીસ જવાનોની ટીમો બનાવીને મોરબી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો કાલિકા પ્લોટ, મચ્છી પીઠ,મકરાણીવાસ જેવા વિસ્તારો તેમજ હિસ્ટ્રી શિટરના ઘર ,લિસ્ટેડ બુટલેગર ના ઘરે ત્રાટકી હતી તેમજ અનેક ટીમોને મોરબી શહેર ના રસ્તાઓ પર પણ ગોઠવી હતી અને જો કોઈ હિસ્ટ્રી શીટર રસ્તા પર આવતા જતાં દેખાય તો તેને રોકી ને ચેક કરવાની કામગીરી કરવામાં આવતી હતી આ કામગીરી થતાં લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
જોકે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આજે ડે નાઈટ કોંબીંગ હાથ ધરાયું છે જેમાં શહરના ૧૮ જેટલા વિસ્તારોમાં જિલ્લા ઘરમાંથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ચેકીંગ કરી રહ્યા છે અને અગાઉ શરીર સંબંધી ગુનાઓ ,કે મિલકત સંબંધી ગુનાઓ આચર્યા હોય તેવા ગુનેગારો ને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.