વાંકાનેરમાં વર્ષ ૨૦૧૨માં એક વકીલના રહેણાંક મકાને પોલીસે રેઇડ કરી લાખોની જાલી નોટ ઝડપી પડી હતી. આ કૌભાંડમાં વકીલ સહીત ત્રણ આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા મોરબી કોર્ટે આજે વકીલને દશ વર્ષની સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૨માં અબ્દુલ જમાલ દલપોત્રા નામનો વકીલ અને તેની પત્ની વાંકાનેર સ્થિત પોતાના ઘરેથી લાખો રૂપિયાની નક્કી ચલણી નોટ સાથે ઝડપાયા હતા. જે કેસમાં અબ્દુલ જમાલ દલપોત્રા, સલમા અબ્દુલ દલપોત્રા અને અંજુમન આરાબીબી શેખ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિઆ અને સંજયભાઇ દવે તેમજ જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની દ્વારા ૨૪ મૌખિક પુરાવા, ૪૭ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા જ્યારે બચાવપક્ષે એક મૌખિક અને એક દસ્તાવેજી પુરાવો રજૂ કર્યા હતા. જેમાં બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી અબ્દુલ જમાલ દલપોત્રાને આઇ.પી.સી કલમ 489 (બી) હેઠળ દશ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડ ન ભરે તો વધુ ત્રીસ માસની સજા તેમજ આઇ.પી સી કલમ 489(સી) હેઠળ સાત વર્ષની સજા અને 70,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી રકમ ન ભરે તો વધુ 18 માસની સજા ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે મહિલા આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવા હુકમ કરાયો છે. અને સજા પામેલ આરોપીને જાલી નોટ પ્રકરણમાં રાજકોટ કોર્ટે પણ દશ વર્ષની સજા ફટકારી હતી.જેમાંથી હાલ તે જામીન મેળવી બહાર હતો.