સરકાર સાથેની બેઠકમાં વકીલોની માંગણીઓ અંગે સુખદ સમાધાન: ન્યાયિક સત્તા જાળવવા સહિતના મુદ્દે કમિટી રચાશે.
મોરબી: ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી રાજ્યવ્યાપી વકીલોની અચોક્કસ મુદતની હડતાળ સરકાર સાથેની બેઠક બાદ મોકુફ રાખવામાં આવી છે. ત્યારે મોરબી બાર એસોસિએશને પણ હડતાળ પૂર્ણ કરી જાહેર કર્યું છે કે આજરોજ તા. ૦૭/૧૦/૨૦૨૬થી તમામ વકીલો રાબેતા મુજબ કોર્ટ કામગીરી શરૂ કરશે.
ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં ગુજરાતભરના ધારાશાસ્ત્રીઓ દ્વારા ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાળનો સુખદ અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ, અમદાવાદ બાર એસોસિએશન તથા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોની રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવા ગુજરાત ભાડા વિધેયકમાં ન્યાયિક તંત્ર પાસેથી સત્તા લઈ એક્ઝિક્યુટિવને આપવાના મુદ્દે ચર્ચા થઈ હતી. સરકાર તરફથી આ સત્તા ન્યાયતંત્ર અને કોર્ટ પાસે જ રહેશે તે અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ઉપરાંત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, નોટરીઓને લગતા પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા સંબંધિત બાર એસોસિએશનના પ્રતિનિધિઓની કમિટી રચી કાયદા વિભાગના સચિવ સાથે ચર્ચા કરી ભાડા વિધેયકમાં રહેલી ત્રુટીઓ અંગે રજૂઆત કરવામાં આવશે અને સરકાર દ્વારા તેના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવશે. આ સમાધાન બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યવ્યાપી હડતાળ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. તેના પગલે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાએ પણ હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે અને આજરોજ તા. ૦૭/૧૦/૨૦૨૬થી મોરબીના તમામ વકીલોને રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું છે.






