મોરબીના શકત શનાળા વિસ્તારમાં વેપારી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલો થેલો તેમના ગામના જ ઈસમ દ્વારા ઝપાઝપી કરી આંચકી ચોરી કરી લઈ જવાની ઘટનાએ ચકચાર મચાવ્યો હતો. વેપારમાં રૂપિયાની જરૂર હોય જેથી મિત્ર પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈને ઘરે જતા હોય તે દરમ્યાન આ ઘટના બની હતી જે મામલે સિટી એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદ નોંધી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં એલસીબીએ પકડી પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના શકત શનાળા ગામે લીમડાવાળી મેલડી માતાજીના મંદિર પાછળ શિવમ હાઈટ્સની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી ઉવ.૪૭ જે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક કેશવ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવતા વેપારી છે, તેઓએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ વેલજીભાઈ રબારી રહે. શકત શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૨૨/૦૭ના રોજ રાત્રીના રોજની જેમ તેમની દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ શનાળા રોડથી જઈ રહ્યા હતા. ત્યારે વેપારમાં રૂપિયાની જરૂર હોવાથી તેના મિત્ર પાસે રૂપિયા માટે ફોન કર્યો હતો, જે તેમનો મિત્ર તેમને શનાળા રોડ જીઆઇડીસી ખાતે ૪ લાખ રૂપિયા આપી ગયો હતો, જે બાદ તેઓ થેલામાં રૂપિયા લઈને શકત શનાળા ગામે પહોંચ્યા હતા, જ્યાં બજરંગ પાન વાળાને ધંધાના બાકી રૂપિયા આપવાના હોય જેથી થેલામાંથી રૂ.૩૦ હજાર રૂપિયા આપી ૨૦ હજાર ઘનશ્યામભાઈએ પોતાના ખીસ્સામાં રાખ્યા હતા. જ્યારે રૂપિયા ૩.૫૦ લાખ થેલામાં લઈને તેઓ મોટરસાયકલ સ્ટાર્ટ કરતા હતા ત્યારે પાછળથી એકટીવા જેવા વાહન પર આવેલ વ્યક્તિએ થેલો ઝૂંટવી લેવાની કોશિશ કરી હતી.
ઘનશ્યામભાઈ સાથે ઝપાઝપી કરી આ ઈસમ થેલો છીનવીને ભાગી ગયો. બાદમાં ઓળખ થઈ હતી કે આ વ્યક્તિ તેમના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હતો. ૩.૫૦ લાખ ઝુટવીને નાસી જનાર આરોપી વિશાલ રબારી પોતાનું એકટીવા ત્યાં મૂકીને નાસી ગયો હતો.વેપારીની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એલસીબી ટીમ દ્વારા આરોપી વિશાલ રબારીને ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીને બનાવ સ્થળે લઈ જાય રિક્સંટ્રક્સન કરાવ્યું હતું અને આરોપી પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.