મોરબી શહેરના ત્રાજપર ગામમાં બે અલગ અલગ દરોડામાં એલસીબી પોલીસ ટીમે રહેણાંક મકાન અંદર બે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે, પ્રથમ દરોડામાં દેશી દારૂ ભઠ્ઠી સંચાલક આરોપી માતા-પુત્રની અટકાયત કરવામાં આવી છે જ્યારે બીજા દરોડામાં રહેણાંકમાંથી એક આરોપીની અટક કરવામાં આવી હતી, આ સાથે એલસીબી પોલીસે મળેલ બાતમીને આધારે રેઇડ કરી બંને રહેણાંક મકાનમાંથી કુલ તૈયાર ૪૧૦ લીટર દેશી દારૂ સહિત રૂ. ૧,૩૯,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે ત્રાજપર ગામમાં રહેણાંક મકાન અંદર કિશનભાઈ અને તેની માતા સવિતાબેન દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે, જે મુજબની બાતમીને આધારે તુરંત ત્રાજપર શેરી નં.૧ માં આવેલ રહેણાંકમાં રેઇડ કરતા એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ૩૦૦ લીટર ગરમ આથો, ૧૫૦૦લીટર ઠંડો આથો, ૨૩૦ લીટર તૈયાર દેશી દારૂ, ગેસ ચૂલા ૩ નંગ, સિલિન્ડર ૧ નંગ તથા અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ.૯૫,૧૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે બંને આરોપી કિશનભાઈ છગનભાઇ પનારા ઉવ.૨૫ તથા મહિલા આરોપી સવિતાબેન છગનભાઇ લાલજીભાઈ પનારા ઉવ.૪૭ બન્ને રહે. મોરબી-૨ ત્રાજપર શેરી નં.૧ વાળા બન્ને આરોપીઓ સ્થળ ઉપર હાજર મળી આવ્યા હતા. હાલ એલસીબી પોલીસે બન્ને આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ગામે ભરવાડ સમાજની વાડી પાસે રહેતો રમેશભાઈ ઉર્ફે ધારો પોતાના ઘરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવતો હોવાની પૂર્વ બાતમીને આધારે એલસીબી પોલીસે રેઇડ કરી હતી, જ્યાં સ્થળ ઉપરથી ૨૦૦ લીટર ઠંડો આથો, ૧૮૦ લીટર તૈયાર દેશી દારૂ, બંધ ભઠ્ઠીના સાધન સામગ્રી સહિત કુલ કિ.રૂ.૪૪,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી ઉવ.૨૨ રહે. ત્રાજપર ગામ ભરવાડ સમાજની વાડી ની પાસે વાળાની એલસીબી પોલીસે અટક કરી તેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.