ક્રાઇમ બ્રાંચ પોલીસે ગેસ ટેન્કર સહિત બે વાહન કબ્જે કરી કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે માળીયા(મી) તાલુકાના વીરવિદરકા ગામ નજીક આવેલ હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસ કટીંગનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં આરોપીઓ ગેસ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી સિલિન્ડર ભરવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ ટીમે દરોડો પાડી સ્થળ ઉપરથી ગેસ ભરેલ ટેન્કર, બોલેરો પિકઅપ સિલિન્ડર સહિત કુલ ૫૬.૪૦ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે, આ સાથે ટેન્કર ચાલક તથા બોલેરો ચાલક સહિત ત્રણને ફરાર દર્શાવ્યા છે. હાલ પકડાયેલ એક તથા ફરાર ત્રણ તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ સામે માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ ટીમને ખાનગી હકિકત મળેલ કે માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં અમુક ઇસમો દ્વારા ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા હોય જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરી આરોપી સાજન સરીફખાન પઠાણ ઉવ.૨૧ રહે.હાલ પરંપરા હોટલ વિરવિદરકા ગામ તા.માળીયા(મિ) મુળ રહે.ચૌની પોસ્ટ પરભેલી જી.કટીહાર (યુ.પી)વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ગેસ ભરેલ ટેન્કર નં. જીજે-૧૨-એયુ-૬૭૭૧ ગેસના જથ્થા સહિતની કૂલ કિં.રૂ.૫૧,૦૨,૧૯૬/-, ગેસ ભરેલા સીલેન્ડર નંગ-૧૨ બાટલા સહીત કિ.રૂ.૨૯,૨૮૦/- બોલેરો ગાડી નં. જીજે-૧૬- ઝેડ-૩૨૩૦ કિ.રૂ. કિં.રૂ.૫,૦૦,૦૦૦, ગેસના ખાલી સીલેન્ડર નંગ-૮ કિ.રૂ.૪૦૦૦/-, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/- તથા ઇલેકટ્રોનીક વજનકાંટો સહિત અન્ય સાધનો મળી રૂ.૫૬,૪૦,૧૦૬/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સાથે ટૅન્કરનો ચાલક, મહીંદ્રા બોલેરો પીકઅપનો ચાલક તથા તેની સાથે અન્ય એક એમ કુલ ચાર આરોપીઓ સામે માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ કરી છે.