પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા લઈને આવેલા 45 હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને થોડા દિવસો પૂર્વે મોરબી આવી પહોંચ્યા હતા. જેથી તેઓને મોરબીમાં આવેલ કોળી ઠાકોર જ્ઞાતિની વાડીમાં આશરો આપવામાં આવ્યો હતો. ત્યારે આજે રક્ષાબંધનનાં તહેવાર નિમિતે ગુજરાત પ્રદેશ ચુવાડીયા કોળી સમાજના આગેવાનો દ્વારા પાકિસ્તાનથી આવેલ ભાઈઓ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ કલેકટર કચેરી પાછળ પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા ઉપર આવેલા પાકિસ્તાની ભાઈઓ તથા બહેનોને આસરો આપવામાં આવ્યો છે. ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પાકિસ્તાની હિન્દુઓ બહેનોએ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી હતી અને ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ તકે ગુજરાત પ્રદેશ ચુવાડીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ બાંભણિયા, મોરબી જિલ્લા કોળી ચુંવાળીયા કોળી સમાજના આગેવાન ભાણજીભાઈ ખોડાભાઈ ડાભી તેમજ વિષ્ણુભાઈ મજેઠીયા ઉપસ્થિત રહ્યા હતા.