મોરબીના ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીજીની મૂર્તિ પાસે પ્રસરી રહેલી ગંદકીના મુદ્દે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન, ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે.
આ સાથે પત્રમાં જણાવાયું છે કે મોરબીમાં “ગાંધીબાગ” તરીકે ઓળખાતા સ્થાનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત છે. હકીકતે તે સ્થળે બાગબગીચાની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ તે વિસ્તાર વાહન પાર્કિંગમાં પરિવર્તિત થઈ ગયો છે. વધુમાં, આજના દિવસોમાં બાગમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સપનાને અશોભનિય બનાવે છે. તાજેતરમાં મહાનગરપાલિકા માટે મોરબીને મંજુરી આપી મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારોની નિમણૂક કરી દેવામાં આવી છે અને હાલ વહીવટી શાસન ચાલી રહ્યું છે. નાગરિકોની સ્વચ્છતા માટે જોગવાઈ કરવી તાત્કાલિક જરૂરી છે, ખાસ કરીને મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે. જેથી આ બાબતે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને યોગ્ય આદેશ આપવા વિનંતી સાથે માંગ કરવામાં આવી છે, અંતમાં તેઓએ જણાવ્યું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક નાગરિકોને સાથે રાખી ગાંધીજીના ચિંધેલા માર્ગે કાર્યક્રમો યોજવામાં આવશે.