માળીયા મી.ના વેણાસર ગામે વર્ષ ૨૦૨૧માં અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી યુવક પર ઈસમે ગાડી ચડાવી દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. જેમાં બે સગા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જે કેસમાં આજ રોજ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા એક આરોપીને તક્ષીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ 10,000 નો દંડ ફટકાર્યો હતો.તેમજ અન્ય એક આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો.
મળતી માહિતી અનુસાર,માળીયા મી.માં વેણાસર નીશાળવાળી શેરી ખાતે રહેતા અશોકભાઇ જીલુભાઇ કુવરીયા તેના કાકાનાં દીકરા રણજીતભાઇ મહીપતભાઇ કુવરીયા તથા તેમના ગામના પ્રકાશ કાનાભાઈ લોલાડીયા તથા સુનીલ લાભુભાઇ કોરડીયા ગત તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ જમવાનો પ્રોગામ કર્યો હતો. જેમાં જમવાનું વધુ બની જતા સુનીલે તેના ભાઈ સંદીપને પણ જમવા બોલાવ્યો હતો. ત્યારે જમવા બાબતે સુનિલ કોરડીયા અને સંદીપ કોરડિયા નામના બે સગા ભાઈઓ દ્વારા ફરીયાદી તથા સાહેદ પ્રકાશ અને મરણ જનાર રણજીત સાથે ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપી ઝપાઝપી કરી રણજીત સાથે આરોપીઓને અગાઉ ઝઘડો થયેલ જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપીઓએ પોતાના હવાલાવાળી જી.જે-૧૭-એન-૪૪૯૫ નંબરની ગાડી રણજીત તથા પ્રકાશ ઉપર ઇરાદા પુર્વક ચડાવી દઇને પ્રકાશને નાની મોટી ઇજા કરી તેમજ રણજીતને માથામાં ગંભીર જીવલેણ ઇજા કરી તેમજ શરીરે નાના-મોટી ઇજા કરી મોત નિપજાવી દેતા સમગ્ર મામલે અશોક દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઈ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજુ કાર્ય હતા.જે કેસનો આજે ચુકાદો આવ્યો છે. અને બીજા એડિશનલ સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યા દ્વારા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તથા ૯ મૌખિક અને ૪૨ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી સુનિલને આજીવન સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.તથા સંદીપને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે.