રાષ્ટ્રભાવના સેવા સંસ્થાન સમિતિ દ્વારા મોરબીના સાહિત્યકાર સીઆરસી કો.શૈલેષ કાલરિયા ‘દોસ્ત’ને સાહિત્ય સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ બદલ ગુજરાત ગૌરવ ઍવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઈકાલે ૭૯માં સ્વતંત્રપર્વ નિમિત્તે રાષ્ટ્રભાવના સેવા સંસ્થાન સમિતિ આયોજિત ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં શૈલેષ કાલરિયા ‘દોસ્ત’ને કુલ 16 કૅટેગરીમાંથી સાહિત્ય વિભાગમાં ‘ગુજરાત ગૌરવ ઍવોર્ડ’ અર્પણ થયો છે. દલપત કાકડિયાની અધ્યક્ષતામાં સહકાર ભવનના એ.સી.હૉલમાં યોજાયેલ દુનિયાના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા સમાજસેવક ડૉ.ગણિત બારૈયાના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શૈલેષ કાલરિયા ‘દોસ્ત’ના સ્વરચિત કુલ છ પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ત્રણ બાળસાહિત્યના પુસ્તકો અને એક લઘુકથાના પુસ્તકનો સમાવેશ થાય છે. તેઓ કવિ સંમેલન અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની તાલુકા શાળા નંબર 1 ના CRC કૉ-ઑર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. તેઓને 2017માં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળેલ છે. તેઓ એસએસવાય સિદ્ધ સમાધિ યોગ, વિપશ્યના સાધના પરિવાર, ભારતીય વિચાર મંચ – મોરબી, પર્યાવરણ મિત્રમંડળ-મોરબી સાથે સેવામાં જોડાયેલ છે. તેઓને શિક્ષણ, સાહિત્ય, પર્યાવરણ અને યોગ ક્ષેત્રે અનેક ઍવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પારિતોષિક પ્રાપ્ત કરી શૈલેષ કાલરિયા ‘દોસ્ત’એ તેમના પરિવાર, વતન કેશવનગર (જીવાપર) ગામ, સમગ્ર શિક્ષણ કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર મોરબી અને સાહિત્ય પરિવારનું ગૌરવ વધાર્યું છે.