મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને સિરામિક એસોસિએશને આવકારી સરકારનો આભાર માન્યો છે. પણ અત્યારની કપરી પરિસ્થિતિમાં ગુજરાત ગેસના ભાવમાં હજુ પણ અઢી રૂપિયાનો ભાવ ઘટાડો કરવો જરૂરી હોવાનું સિરામિક એસોશિયેશનના પ્રમુખોએ જણાવ્યું છે.
સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગેસના ભાવમાં રૂ.4.50નો ઘટાડો થયો છે. હજુ પણ ગુજરાત ગેસ અને પ્રોપેનના ભાવમાં રૂ.2નો તફાવત છે. હાલ સરકાર સાથે વાતચીત થઈ રહી છે. જેમાં અમે સરકારમાં રજુઆત કરી હતી કે ગુજરાત ગેસ પ્રોપેનની સરખામણીમાં 8 રૂપિયા ઉંચો પડે છે. આનો ભાવ ઘટાડો કરવા માંગ કરાઈ હતી. પરિણામે સરકારે ગુજરાત ગેસમાં રૂ.4.50 ઘટાડયા છે. સિરામિક ઉદ્યોગોમાં દરરોજ ગુજરાત ગેસના નેચરલ ગેસનો સરેરાશ 16 લાખ ક્યુબીક મિટર વપરાશ છે. રૂ.4.50નો ભાવ ઘટાડો થતા ઉદ્યોગોને 65 લાખનો ફાયદો થશે. વધુમાં અમે પ્રોપેન અને એલપીજી ગેસનો વપરાશ કરીએ છીએ. પ્રોપેન ગેસમાં રૂ.2.5નો ભાવ વધારો થયો છે. પ્રોપેન ગેસનો દરરોજનો વપરાશ અંદાજે 55 લાખ ક્યુબીક મીટર છે.જેથી દરરોજ 1.40 કરોડની નુકસાની છે.
હરેશભાઈ બોપલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ગુજરાત ગેસનો વપરાશ ઓછો છે. 70 ટકા જેટલા ઉદ્યોગો પ્રોપેન ગેસ વાપરે છે. પ્રોપેન ગેસ સસ્તો હોવા ઉપરાંત દરેક યુનિટમાં પ્રોપેન ટેન્ક બેસાડેલી હોવાના કારણે ઉદ્યોગો પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા. પ્રોપેનની સાપેક્ષે હાલ ગુજરાત ગેસનો ભાવ રૂ.2 જેટલો ઉંચો છે. પ્રોપેનમાં પણ ભાવ વધારો આવ્યો હોવાથી કોસ્ટ ઉંચી ગઈ છે. ગુજરાત ગેસ હજુ બેથી ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો કરે તે જરૂરી છે. ગુજરાત ગેસનો એક સમયે દૈનિક વપરાશ 75 લાખ ક્યુબીક મીટર હતો. આજે દૈનિક વપરાશ 16 લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો છે. સરકાર ભાવમાં ઘટાડો કરશે તો તમામ ઉદ્યોગો ગુજરાત ગેસ તરફ વળશે. આ ગેસની સપ્લાય ખૂબ સરળ છે. જે પાઈપલાઈન મારફત થાય છે. જ્યારે પ્રોપેન ટેન્કર મારફત આવે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે નાજુક છે. 200થી 250 નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. મોટા ઉદ્યોગોએ જે પ્રમાણે રોકાણ કર્યું છે તે પ્રમાણે તેઓને વળતર પણ મળી રહ્યું નથી. આમ ઉદ્યોગો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.









