મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબીમાં વાઘ મંદિર પાસે આવેલ પટાંગણ માં ઝૂલતા પુલ દુર્ધટના ના મૃતકોની યાદમાં સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે.
આ સ્મૃતિ સ્મારક ૧૯૭૯ માં આવેલ મચ્છુ જળ હોનારતના મૃતકોના સ્મૃતિ સ્મારક ની બાજુમાં જ બનાવવામાં આવ્યું છે.આ દુર્ઘટનામાં મૃતકોના પરિવાર જનો અહી આવીને શ્રધાંજલિ પાઠવી શકે તે માટે મોરબીના રાજપરિવાર દ્વારા આ સ્મૃતિ સ્મારક બનાવવા આવ્યું છે અને હાલમાં આ સ્મારક ને મોરબી નગરપાલિકા ને સોંપી દેવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૧ ઓગસ્ટ એટલે કે મચ્છુ જળ હોનારત ના દિવસે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલી યોજવામાં આવે છે અને અહી આવેલ હોનારત ના મૃતકોના સ્મારક પર શ્રધાંજલિ પાઠવવામાં આવે છે ત્યારે ઝૂલતા પુલ દુર્ધટના ના મૃતકો ને શ્રધાંજલિ પાઠવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.તેમજ દુર્ધટના વખતે સંવેદનશીલતા ની વાતો કરતા નેતાઓ અને આગેવાનો પણ ઝૂલતા પુલ દુર્ધટના ના મૃતકોને શ્રધાંજલિ પાઠવવાનુ ભૂલી ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.જોકે ભલે રજવાડા અને શાસન નથી રહ્યું પરંતુ રાજ પરિવાર પોતાની જવાબદારી નિભાવી ને પોતાની જનતા માટે આ સ્મારક નુ નિર્માણ કર્યું છે.